Saturday, 11 April 2020

ગઝલ

ગઝલ

આપણું પોતાનું નજરાણું હતું તે ક્યાં ગયું ?
સૂર્ય સાખે ઊગતું વ્હાણું  હતું   તે ક્યાં ગયું?

આજ સૂને ઓરડે હીંચકે નથી કો' ઝૂલતું ;
પાછલા તે પ્હોરનું  ગાણું  હતું તે ક્યાં ગયું?

શ્લોક, મંત્રોચ્ચાર, પૂજા -પાઠ, દીવો, આરતી;
માત્ર પાવન-જળનુ તર઼ભાણું હતું તે ક્યાં ગયું?

શે'રી વચ્ચે એક હીબકાતું બાળક જોઈને;
વ્હાલ-ભીની બા'નું ઉપરાણું હતું તે ક્યાં ગયું?

સાંજ વેળા ઘર ટહુકતું થૈ જતું પળવારમાં;
વાયુ વેળા હૈયું  હરખાણું   હતું તે ક્યાં ગયું?

સાવ સૂની આંખની ભાષાને વાંચીને થતું;
પાંપણો પર સ્વપ્ન શરમાણું હતું તે ક્યાં ગયું?

વૃક્ષની ઘેરી ઉદાસી જોઈને પૂછ્યું અમે;
ડાળ ઝીલવાનું મધુર ટાણું હતું તે ક્યાં ગયું?

           સ્વ.ડો.ગોપાલ શાસ્ત્રી

No comments:

Post a Comment