ગીત - ધર્મેશ ઉનાગર
------
શરમાતી છોકરી આ મઘમઘ લીલોતરીમાં લાગે કૈં શેરડીનો સાંઠો..
કૂવાની જેમ હવે ફૂટ્યાં કરે છે નસનસમાં એકધારો પ્રવાહ
પાણીને ક્યાં કદી હોય છે આડશ, એને આંગળી ચીંધ્યાની નથી રાહ
લાગણીઓ એટલી તો ઊભરી આવી કે નથી દેખાતો ધોરિયાનો કાંઠો
શરમાતી છોકરી આ મઘમઘ લીલોતરીમાં લાગે કૈં શેરડીનો સાંઠો..
ભીતર ભીંજાયાનો અહેસાસ થયો ત્યાં તો મંડરાયો ઘનઘોર વરસાદ
ટીપું વરસાદનું માથે પડ્યું ને થઇ નદીઓ હેલીમાં બરબાદ
વીજળી ચમકારો થઇ અંદર પ્રવેશી ને હ્રુદિયો એની સાથે નાઠો
શરમાતી છોકરી આ મઘમઘ લીલોતરીમાં લાગે કૈં શેરડીનો સાંઠો..
પોપટનું યુગલ તો ઉડ્યું એ ડાળથી પણ બેઠી રહી એની ચાહત
અમાસની અંધારી રાતે ચકોરની થાતી હશે કેવી હાલત
ક્ષણ લાગે દીવસ, દીવસ લાગે યુગો આ વિરહ લાગે કેવો માઠો
શરમાતી છોકરી આ મઘમઘ લીલોતરીમાં લાગે કૈં શેરડીનો સાંઠો..
--- ધર્મેશ ઉનાગર
No comments:
Post a Comment