આવવામાં કે જવામાં આ બધાં સાથે જ છે,
હાથ-પગને બાંધવામાં આ બધાં સાથે જ છે.
રંગ પૂરે છે અહીં સૌ પોતપોતાના ભલે,
ઘાવને શણગારવામાં આ બધાં સાથે જ છે.
હા, ઉઘાડા પાડશે એ અન્યને એકેક થઈ,
જાતને સંતાડવામાં આ બધાં સાથે જ છે.
આગવી રીતે પ્રહારો એ કરે ને આખરે,
ક્ષેમકુશળ પૂછવામાં આ બધાં સાથે જ છે.
જીવતી એ ડાળ પર મારે કુહાડી ને છતાં,
પાન થઈને ફૂટવામાં આ બધાં સાથે જ છે.
રોજ સૂરજને ડુબાડી રાત થઈ ડૂબી જતાં,
ને સવારે ઉગવામાં આ બધાં સાથે જ છે.
પાંખ પંખીની અહીં હળવેકથી કાપ્યા પછી,
આભમાં જઈ ઉડવામાં આ બધાં સાથે જ છે.
નીતિન વડગામા
No comments:
Post a Comment