Friday, 16 September 2016

ગીત

તારો મેવાડ મીરાં છોડશે

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?!
રાણાજી, તને
ઊંબરે હોંકારો કોણ દેશે ?!
આઘે-આઘેથી
એને આવ્યાં છે ક્હેણ;
જઈ વ્હાલમ'શું નેણ મીરાં જોડશે !
હવે તારો મેવાડ મીરાં છોડશે….

આઠે અકબંધ
તારા ભીડ્યા દરવાજાનાં,
ફૂલ જેમ ખૂલશે કમાડ;
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર,
મૂકી ધૂળ-મહીં ઊડતો મેવાડ !
કિનખાબી પ્હેરવેશ કોરે મૂકીને,
મીરાં કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે…..

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે,
લઈ લેણદેણ તૂટ્યાનું શૂળ;
ડમરી-જેવું રે સ્હેજ ચડતું દેખાશે,
પછી મીરાં વીખરાયાની ધૂળ !
મીરાં વિનાનું સુખ ઘેરી વળશે 
'ને  રાજ !  રૂંવે-રૂંવેથી તને તોડશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે…..

               રમેશ પારેખ.

No comments:

Post a Comment