Monday, 19 September 2016

ગઝલ

ધુમ્મસનાં    કૈંક    પર્વત આકાર લઇ રહ્યા છે,
મનમાં   સવાલ   અંગત આકાર લઇ રહ્યા છે.

જ્યાંથી ગઝલ અનવરત લયમાં વહ્યા કરે છે,
ત્યાં  નાદ પણ અનાહત આકાર લઇ રહ્યાં છે.

દુનિયાથી  દૂર  ભાગી  દરવેશ થઇ ગયા પણ,
પાછળ  હજાર  તહોમત આકાર લઇ રહ્યા છે.

દેવત્વ  ખોઇ   બેઠાં  છે   ક્યાંક   દેવ  જ્યારે,
દૈત્યોમાં   ક્યાંક    દૈવત આકાર લઇ રહ્યાં છે.

'આતુર'  કદી તગઝ્ઝુલમાં  રેડીએ  તસવ્વુફ,
એ   ખ્વાબ   ખૂબસૂરત આકાર લઇ રહ્યા છે.

                                      'આતુર

No comments:

Post a Comment