Monday, 19 September 2016

ગીત

કેટલાક મરવાના બાકી છે ?

કેટલાક મરવાના બાકી છે ?
દેખેંગે, સોચેંગે, લડલેંગે આરપાર સાંભળીને પબ્લીક પણ થાકી છે .
કેટલાક મરવાના બાકી છે ?

એક પછી એક બધા કપડાં ઉતારી લ્યે તોય ક્યે છે વસ્ત્રો હરાય ?
ઘરમાં ઘૂસીને રોજ માથા વાઢી લ્યે છે તોય ક્યે છે હત્યા કરાય ?
સાચું કહું એમને તો એવું લાગે છે જાણે આપણે તો બગડિયું તાકી છે.
કેટલાક મરવાના બાકી છે ?

“આસમાન સાફ હૈ ને બીજલી ગીરેગી” આમાં નો હાલે કવિતાની વાતું
બીજાની પાસેથી એટલું તો શીખો કે બોલવાથી કાંઇ નથી થાતું
થોડુક હલાવશો તો તરતજ ઇ ખરવાની ડાળી પર કેરિયું જે પાકી છે .કેટલાક મરવાના બાકી છે ?

લાગી છે આગ એને ઠારવાની વાત, એમાં ભાગ્યા ક્યાં ? અહિયાં તો અટકો
પોતાના કૂવામાં પાણી ભરપૂર છતાં પારકાના કૂવે કાં ભટકો ?
આખ્ખી દુનિયાને શું  ક્હેતા ફરો છો કે કૂતરાની પૂંછડી તો વાંકી છે.
કેટલાક મરવાના બાકી છે ?

કૃષ્ણ દવે .

No comments:

Post a Comment