ગઝલ
ગમી ગયા જે ચહેરા છબી સમાણાં છે;
રહે છે આંખ લગોલગ છતાં અજાણાં છે.
હજાર ખોટ હવે લાગે સૌને મારામાં;
નિયમ જગતનો સફળ જે થયાં એ શાણાં છે.
કદાચ પળમાં એ ફુગ્ગાની જેમ ફૂટે પણ;
પરાઈ ફૂંકે જે હદથી વધુ ફુલાણાં છે.
નિરાંત પામવા તૂફાનથી સુલેહ કીધી;
ભૂલી ગયો હતો શઢમાં ઘણાંય કાણાં છે.
રડયા ખડયા હતાં શમણાં જે આંખમાં થોડાં;
ઉજાગરાથી જે ત્રાસી ગયાં, વિલાણાં છે.
ગઝલ વિશે કરું "નાશાદ" સ્પષ્ટતા કેવી?
જે શબ્દ હોઠે હતાં કાગળે લખાણાં છે.
ગુલામ અબ્બાસ "નાશાદ"
No comments:
Post a Comment