Thursday, 20 October 2016

અછાંદસ

મૃત્યુ / અનિલ વાળા.

મૃત્યુને હું બરાબર જોઈ શકું છું
દરેકની આંખમાં ને
સારસની પાંખમાં
મને મૃત્યુનાં ડાઘ દેખાય છે.
મૃત્યુ એક વિસ્તીર્ણ ડર
એક વ્યાપક અનુભૂતિ.
ગર્ભમાં રહેલાં શિશુનાં
ગર્ભમાંય બેઠું છે
ટુંટીયું વાળીને, છાનુંછપનું
કોઇ ચોર સંતાયો હોય
આપણી અમૂલ્ય મિલકત લૂંટવા,
એ રીતે...

એ ચોરને હું જોઇ શકું છું સ્પષ્ટ.
છતાં હું નથી ભાગી શકતો
નથી ભગાવી શકતો
ચીસ પાડવા યત્ન કરું છું
તો મુખમાંથી મૌનનું નર્યું
ધુમ્મસ ખરે છે.
જે એનું ભોજન છે.
આરંભે એ આપણાંથી
લપાઇ-છુપાઇને કરે છે
માત્ર ડરવાનો અભિનય.
માત્ર અભિનય !!!

સમય મળતાં જ એ એનું
ભયાવહ સાંઢ જેવું ઊંચકે મસ્તક
ચડાવે શીંગડે સર્વ અનુભૂતિને
સર્વ સંબંધોની કરે છે ક્રૂર ઠેકડી.
મજાક કરે છે પ્રેમની અને હેમની.
મરનારને જોઈ જોઈ દૂર ઊભું રહી
કરે છે સાલ્લુ ખિખિયાટાં....

પછી આટ્ટહાસ...પરિહાસ....હા...શ....

જેમ કોઇ શીખડો ભૂંડ પકડવાની દોરી લઈ ...

એક જ વારમાં સટાક દઇ પકડી લે ભૂંડ
એમ પકડી લે ચીચિયારી કરતાં સહુ કોઇને..

તમને -મને- અમને- આપણને-તેને - તેઓને.
એક કીટને પણ નથી છોડતું.
આપે છે લાલચ-લાલસા.

પણ...પણ...પણ....

મૃત્યુ હોય છે.
અને હું એને સ્પષ્ટ જોઇ શકું છું
સર્વની આંખમાં.
વ્હાલા મિત્રો! મને આ શાપમાંથી મુક્ત કરો.

No comments:

Post a Comment