Friday, 21 October 2016

ગઝલ

 

ગઝલ ... અલ્પેશ ‘પાગલ’

ખરેખર થઇ આજ સાચી કસોટી...
કે પગ સાવ નાના ને જૂતી છે મોટી

સફળતાની સીડીનું પહેલું પગથિયું
હશે અંત ખોટો, જો શરૂઆત ખોટી

નવો આદમી આજ પેદા થયો છે
હ્રદય તોડવામાં છે એની હથોટી

હશે ભૂખ મનને બીજી કોઇ દુનિયા
પણ આ પેટ તો માત્ર માગે છે રોટી

મને ખોટે રસ્તે ન જાવા એ દેતી
હજી માઁનો ફોટો બતાવે છે સોટી

જરા સાંભળો અન્યની વાત યારો
તમે એક સાચા એ વાતો જ ખોટી

ફરી સાવ હળવો ને બાળક બની જઉં
ફરી કાશ ! હોઠેથી વાગે સિસોટી...

હજી સ્વપ્નમાં છોકરો એક આવે...
હતું નામ ‘અલ્પો’ ને ખીસ્સે લખોટી            

એ દુનિયાને ખિસ્સામાં રાખીને જીવ્યો
હતો એક ‘પાગલ’ કવિ રાજકોટી !! 

 

No comments:

Post a Comment