Sunday, 6 November 2016

ગીત

સુખની આખી અનુક્રમણિકા અંદર દુ:ખના  પ્રકરણ
તમે જિંદગી  વાંચી છે?  વાંચો  તો  પડશે સમજણ

પૂંઠાં   વચ્ચે   પાનાં   બાંધ્યાં   જેમ   ડચૂરા  બાઝે
આંસુના   ચશ્માં    પહેરીને   પાને    પાનાં   વાંચે
પથ્થરના  વરસાદ   વચાળે    કેમ  બચાવો  દર્પણ
તમે જિંદગી  વાંચી છે?  વાંચો  તો  પડશે સમજણ

હશે   કોઈ  પ્રકરણ  એવું   કે  ખરે   વાંચવાલાયક
તમે  ફેરવો  પાનાંને   એ   પુસ્તકમાંથી    ગાયબ!
ફાટેલાં   પાનાંનાં   જેવાં  ફાટી   જાતાં    સગપણ
તમે જિંદગી  વાંચી છે ? વાંચો  તો  પડશે સમજણ

આ  લેખક  પણ  કેવો   એને  દાદ  આપવી  પડશે
લખે  કિતાબો  લાખો  પણ  ના  નામ  છપાવે  કશે
હશે   કદાચિત   લેખકજીને  પીડા  નામે   વળગણ
તમે જિંદગી  વાંચી છે?  વાંચો  તો  પડશે સમજણ

- મુકેશ જોશી

No comments:

Post a Comment