Sunday, 6 November 2016

અછાંદસ


ધૂમાડાને કારણે

આકાશ છવાઇ જાય
ડામરિયા રસ્તા પર
સોડિયમ લાઈટનું ઝળહળવું,
પકડીને ઉપર ઉપર
હારબંધ લટકું કરે
આ ધૂમાડાના તાલે!
એનેય આંખમાં મરચું ભભરાવતા
આ ગોટેગોટા વટ મારે.
ઊભા રોડે આંચકા લઈને
વાયુ સામેય સજજડ સજજડ
વરસાદ હોય તો ઢીલા ઢફ્!
પણ વાદળ બંધાય તો
કાતર લઈને વેતરી નાખે.
તરણાં હરણાં તરુવર
આખું તળાવ હિલ્લોળે ચડે
કણકણને છેતરી નાખે
આખું તળાવ હિલ્લોળે ઝૂલે
ફેરફૂદરડી ફરે
ધૂમાડિયા વંટોળની મોજ લઈને
વાદળ થઈને
ખેતરને છાયા કરે.
રથ તો ચાલે છે
હોજરી પણ હાલે છે
શ્વાસજી ચાલે છે
આ ધૂમાડાને કારણે......
બધુંય ઘબ્ થતું જાય છે
કાળું કાળું લબકારાનું ફળિયું
અરસ પરસ મલકાય છે
ખનખનિયાં છલકાય છે
ગામ આખું ગાય છે
રંગ રંગ રેલે છે
દરિયા પાર જવાય છે
ગતિશીલ તાલે છે
આ ચકરડું ચાલે છે
આ ધૂમાડાને કારણે......
- ડૉ. ભાવેશ જેતપરિયા

( મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ )

No comments:

Post a Comment