Monday, 7 November 2016

ગઝલ

પડઘાની  વાત છોડો, પણ  બૂમ  તો પડાશે,
ખુદને  મળી  જવાનું,  વાતાવરણ   રચાશે.

ઘરડા   થયેલા વૃક્ષે,   ફૂટપાથને   કહ્યું  કે,
મારાથી છાંયડો નહિ, બસ   બાંકડો  થવાશે.

અત્તરની પાલખી લઈ, ઉભો હશે પવન પણ,
તારાથી  દોસ્ત  કેવળ, બારી  સુધી જવાશે?

દીવાનગીનો  ફાળો, ઓછો   નથી પ્રણયમાં,
હારી  ગયાં  કે જીતી,  બન્ને   ભૂલી શકાશે?

મિત્રો, તમે જવા દો, આ ભાગ્યની છે પીડા,
પાણીમાં  માછલીનાં,  આંસુ    નહિ લુછાશે.

-ગૌરાંગ ઠાકર

No comments:

Post a Comment