પકડીને રાખું તોય સરી સરી જાય આ,
શમણાને કેમ કરી બાંધુ?
...આ પળને હું કેમ કરી સાંધુ?
વડલાની ડાળ પર બાંધ્યો'તો માળો,
જોયા,તડકાને છાયાં અપાર,
વર્ષો વીત્યાની વાત પળમાં કહીને,
લોયા,આંખેથી આંસુ ચોધાર,
સ્મરણોને હૈયામાં રાખું સંભાળીને,
હળવેથી માગું વિદાય,
પણ ઉંબરને કેમ કરી લાંઘુ?
....આ પળને હું કેમ કરી સાંધુ?
હૂંફ અને હેતની ઉર્મીઓ મઘમઘ થઈ,
છલકાતી પ્રેમની જોળી,
આંખેથી આંખો'ને હૈયેથી હૈયું મળી,
લથબથ મેં પ્રેમમાં ઝબોળી,
સંબંધો વાવીને હેતેથી સીંચી મેં તો
કાયા મોતીમાં પરોવી,
છતાં અંતરમાં કૈંક વલોવાતું,
....આ પળને હું કેમ કરી સાંધુ?
જીવ્યું છે જીવનને માણ્યું ભરપૂર છતાં
લાગે છે કેમ કૈંક ખૂટતું?
વસમી લાગે છે કેમ વેળા વિદાય કેરી,
અંદર અંદર કૈંક તૂટતું,
તૂટેલા કાળજામાં પડઘો સંભળાય છતાં,
કર જોડી દિલસોજી માગું,
પણ આકાશે કેમ કરી આંબુ?
...આ પળને હું કેમ કરી સાંધુ?
ડૉ. અયના ત્રિવેદી
'અયુ'
No comments:
Post a Comment