શમણા મહીં આજે સખી
જે ફરફરી છે ઓઢણી,
મનમીત કેરા હેતની
મોતી ભરી છે ઓઢણી.
સૂરાવલી શ્વાસો તણી
સંગત મહીં વ્હેતી રહી ,
બાથે ભરી ને હેત
વરસ્યાં નીતરી છે ઓઢણી.
કામણ કહું શું આંખનાં
ઘેલી બની છે લાગણી,
ચારે તરફ શમણાં
થઈને વિસ્તરી છે ઓઢણી.
કેવી દશા છે ચિત્તની
કેમે કહું વ્હાલી સખી,
કયાં છે ખબર ?
કયારે સરી છે ? ઓઢણી.
શા કારણે પ્યારી મને
એ જાનથી પણ છે સખી ,
પ્રીતમ તણી પ્યારી
છબીથી ચીતરી છે ઓઢણી.
એ નામને મેં કોતર્યું છે
કાળજાની કોર પર,
સાજણ રસીલા નામની
અંગે ઘરી છે ઓઢણી.
હું પણ નથી મારી સખી
ના પૂછ કેવા હાલ છે,
આ જાત પણ શમણાં
હવે સંગે વરી છે ઓઢણી.
' દાજી '
No comments:
Post a Comment