લે લેતો જા .
( હજાર .પાંચસોની નોટો બંધ કરવાના ઐતિહાસિક નિર્ણય સમયે)
કાળા ડિબાંગ અંધારામાંથી બહાર આવેલી હજાર,
પાંચસોની નોટમાંથી ગાંધીબાપુ બોલી ઉઠ્યા.
લે લેતો જા, શું રહી ગઈ તારી હસ્તી ?
થઈ ગઈ ને એક જ પળમાં પસ્તી ?
મેં તો ઘણીવાર તને સમજાવ્યું’તુ ને ?
કે આ રીતે મને ના ગોંધી રાખ,
ફળિયામાં ઊંડે ઊંડે દાટી રાખેલા ડબ્બાઓમાં,
ટાઈલ્સની નીચે બનાવેલા ભંડકિયાઓમાં,
ખૂણે ખાંચરે આવેલા અંધારા માળિયાઓમાં,
કબાટની પાછળના ચોરખાનાઓમાં,
ઓફિસોના ખખડધજ ડ્રોવારોમાં,
આલીશાન આવાસોની અનબ્રેકેબલ સૂટકેશોમાં,
ભરડો લઈને બેઠેલા ભ્રષ્ટાચારીઓની જઠરોમાં,
લોહિતરસ્યા વરુઓની સળકતી દાઢોમાં,
અરે એ તો બતાવ કે ક્યાં ક્યાં તે મને નથી ગોંધી રાખ્યો ?
મે અપાવેલી આઝાદીને તું એકલો જ હડપ કરી જવા બેઠો છે ને કાંઇ ?
મારે તો આઝાદીને રમતી જોવી હતી-
છેક છેવાડે આવેલા ગામડાની ગલીઓમાં,
ખેડાઈ રહેલા ખેતરોના ઢેફાની સુગંધમાં,
પડી રહેલા પરસેવાની ઠંડકમાં,
વવાઈ રહેલા સપનાઓની નાજુક કીકીઓમાં,
વહેવા મથી રહેલા ઝરણાના ખળખળમાં,
આકાશ ભરીને ઊડી રહેલી નાનકડી પાંખોમાં
ઈમાનદારી થી છલકાતી આંખોમાં,
અને સરળતાથી જિવાઈ રહેલા જીવનમાં.
પરંતુ અફસોસ આટલા વર્ષો પછી પણ મારૂ સ્વપ્ન તો અધુરું જ રહી ગયુ.
આજે ભલે તું જોઈ રહે મારી સામે આમ ગળગળો થઈને
પરંતુ હવે તારો ભરોસો કઈ રીતે કરી શકાય ?
શું એ વાતની મને કોઈ ખાત્રી આપી શકે ખરું ?
કે આવતી કાલે બે હજારની નોટમાં ફરીવાર તું મને કેદ નહીં જ કરે ?
કૃષ્ણ દવે.
No comments:
Post a Comment