Thursday, 22 December 2016

હઝલ

હઝલ --- આવે
- મુકેશ દવે
સ્વાદમઢ્યા કોળિયામાં વાળ આવે,
એથી તો સારું કે મોંમાં ગાળ આવે.

લાચારીની આ પરાકાષ્ઠા તો જુઓ !
હાથ ન પહોંચે ત્યાં ખંજવાળ આવે.

આ ભાગ્ય પણ અવળચંડુ હોય છે,
દોડવું જ નથી ને સામે ઢાળ આવે.

રોંઢા સુધી ભણ્યા હો તોય શું થયું ?
જીવનના હર પગલે નિશાળ આવે.

સંસારગાડું કોઈનું સુતરું ન ચાલે,
એમાંય ઉલ્લાળ અને ધરાળ આવે.

બેઉ છેડા જિંદગીમાં સરખા મળે,
વૃદ્ધ શરીરમાં સ્વભાવે બાળ આવે.

ઘડિયાળના બંધમાં ખૂશ કાંડુ હતુ,
પછી મિંઢોળ સાથે જંજાળ આવે.
-મુકેશ દવે

No comments:

Post a Comment