Monday, 19 December 2016

ગઝલ

કદી હોઠ પર રમાડજો કદી આંખમાંય લાવજો
હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો

કદી સંગ સંગ આપણે નભે રંગ કંઈ પૂર્યા હતા
હવે સાંજ શ્વેત લાગશે હવે રાત શ્યામ ધારજો

કદી કોસથી ઢળ્યા હતા કિચૂડાટમાં ભળ્યા હતા
હવે નીક લાગશે નીરવ કે ન ડોલ વાંકી વાળજો

નહીં શંખમાં ન છીપમાં નહીં રેત પર ન કંકરે
હવે અનવરત પવન છું હું મને જળતરંગે જાણજો

હું લખાયલા ચરણમાં પણ હું ચરણ પછી ધવલમાં પણ
મને માણજો શબદમાં પણ મને મૌનમાં મલાવજો
- હેમંત ધોરડા

No comments:

Post a Comment