સગર્ભા યુવતીનું ગીત
સાજણનાં સંગતણો આ તે કેવો રંગ, હું તો ફેરવતી જાઉં ગુલમ્હોરમાં રે લોલ.
ઝરણાની જેમ લોહી ગણગણે ગીત, જાત ઓગળતી જાય કલશોરમાં રે લોલ.
મુઠ્ઠી રે જેવું તે મારું નાનકું હૈયું ને એમાં અભરેભર્યા છે મીઠા ઓરતા રે લોલ.
સૂરજ ઊગે ને જેમ ગલગોટો મ્હોરે એમ ભીનુંછમ ભીનુંછમ મ્હોરતા રે લોલ.
સાત સાત દરિયાઓ તોરણે ગૂંથી ને મેં તો બાંધી રે દીધા છે બારસાખમાં રે લોલ.
એવી હું તો લુંબઝુંબ ફાલી હોય જાણે કોઈ આંબલાની ડાળ વૈશાખમાં રે લોલ.
સામું રે મળે ને કોઈ અમથું હસે ત્યાં હું તો લાજીલાજી લોથપોથ થાઉં હો રે લોલ.
રોમરોમ ફોર્યા કાંઈ ફાટાફાટ ફૂલ એના અઢળક ભારથી ભીસાઉં હો રે લોલ.
મધરાતે સૂસવતો હોય અંધકાર ત્યારે ફરકે હળુક અંગ જમણું રે લોલ.
અધમીંચી આંખે હું તો લીલુંછમ જાગી જોતી ગળચટું ગળચટું શમણું રે લોલ.
કિશોર બારોટ
Sunday, 25 December 2016
ગીત
Labels:
કિશોર બારોટ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment