Sunday, 11 December 2016

ગઝલ

જિંદગી જીવે અહીં દંભીપણાનાં તાપમાં,
સ્વપ્ન સૌ સાકાર કરવા ફક્ત આજે રાતમાં,

પામશો શું આજ સંબંધો ભૂલાવીને તમે?
સ્હેજ તો થોડું વિચારો બંધ રાખી આંખમાં!

આજ એકલતા હશે ધનવાન બનવા દોડમાં,
ના હશે સાથે અહીં કો ઝંખશો જે સાથમાં,

દેખશો થોડું વળીને? આ સિતમ કોઈ સહે,
એમનું હૈયું દુભાવી કાં પડો છો પાપમાં!

એકલી ભરતી નથી, છે ઓટ પણ દરિયા મહીં,
આ સમય જાશે વહી, ઠાલું રહેશે હાથમાં,

જગ અહીં તો વાત કરશે જો ન કાંઈ મેળવો,
આ અધમ એવાં જગતની કાં રહો છો વાતમાં,

કર 'અકલ્પિત' આજ જીવન-મૃત્યુનો સ્વીકાર તું,
શું રહેશે આપણું શમશાનની આ રાખમાં!

- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

No comments:

Post a Comment