Thursday, 22 December 2016

ગઝલ

ખુબ વલોવી કાઢી માખણ ફેંકી દીધો,
ઘીની માફક તાવી હરક્ષણ ફેંકી દીધો.

કેમ દોરતો લક્ષ્મણરેખા મારી આગળ?
મારી અંદરનો મેં રાવણ ફેંકી દીધો.

મેઘધનુષની વચ્ચે રે’વા ઉપર લઇ ગ્યા,
નીચે આવ્યું ધગધગતું રણ ફેંકી દીધો.

કોઈ રૂપાળી છત્રીની છત જરા મળી તો,
ઝરમર ઝરતો સુંદર શ્રાવણ ફેંકી દીધો.

અમે નીકળ્યા જ્યાં જ્યાં ત્યાંથી રસ્તો કાઢ્યો,
વચ્ચે આવ્યો પર્વત, એ પણ ફેંકી દીધો.

સલામ, તારા સંવેદનને સલામ સો સો,
એક મિનીટમાં આખોયે જણ ફેંકી દીધો?
-હરદ્વાર ગોસ્વામી

No comments:

Post a Comment