Thursday, 22 December 2016

ગઝલ

ગઝલ મેં તો લઇ તુજ નામ પરબારી બનાવી છે
મળે ઉજાસ જ્યાંથી એક મેં બારી બનાવી છે

કરી સરખામણી મેં ચાંદથી એમાં રિસાયા છે
કહે છે વિશ્વની નહિ પણ મને તારી બનાવી છે

હવે એકેક ક્ષણમાંથી મહાકાવ્યો રચાવાના
ભલે, હું સાચવી રાખીશ, અલમારી બનાવી છે

ગમે ત્યારે ગમે તેની થશે અર્ધાંગના પ્યારી
સ્વયંવરમાં ઊભેલી પ્રીત કુંવારી બનાવી છે

અહી તો રાહ છે વન વે, ભલે હો રંક કે રાજા
છટકબારી નહિ કિન્તુ અટકબારી બનાવી છે

તમે માનો છો કે આરામથી રહેશો મને છોડી
કટારી પ્રેમની કાતિલ ને બેધારી બનાવી છે

કરો છો કામકાજો બહુ વિચારીને તમે ‘મંથન’
પરંતુ પ્રેમની ક્ષણ સાવ અણધારી બનાવી છે
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment