Monday, 2 January 2017

ગીત

ચીસ

ધગધગતા તડકાની ચીસ, માંડ કંઠમાં ભરી'તી પારેવડે,
કોણે ઉડાડ્યું એને કોણે, હજી હમણાં તો બેઠું'તું છાંયડે ?

આંખોના દ્રષ્યોમાં લોહી રેડાય, અને ઉકળે છે અંદરની આગ,
પીડાની પડીકી છાતીમાં ધરબીને, શ્વાસો પણ શોધે છે મરવાનો લાગ.

અહીં સુખથી જીવ્યાનું સુખ અટકળ થઈ, બેસે છે પાંપણને પાંદડે !
કોણે ઉડાડ્યું એને કોણે, હજી હમણાં તો બેઠું'તું છાંયડે ?

થોડું જીવ્યાની વાત ઝાઝું દોડાવે એમ, અભરખાઓ દોડે છે રાત'દિ,
ને નિરાંતે બેસીને અંતર વહેંચ્યાની વાત, કોનું તે ભૂત ગયું ઘોળીને પી ?

આંખોમાં ભરી લઉં એટલું મારા આભને, રે'વાદો ભૈ મારા ગામડે,
કોણે ઉડાડ્યું એને કોણે, હજી હમણાં તો બેઠું'તું છાંયડે ?

-વર્ષા બારોટ

No comments:

Post a Comment