. ગીત
કંઈક નવું હું શોધીને લાવું ,
મારે દરિયાની પેલે પાર જાવું
તન તરકટનાં વાદળ રચાયાં કરે
મન મારૂ મર્કટ બની નચાવે;
કર્મોનો ભાર ઉપાડી થાકી છે લાશ આ
આંખો શરમથી નજરુ નીચી ઝૂકાવે,
કોઈ મને સાચો મારગ જો બતાવે
સંસારનાં ખારા આંસુથી નથી હવે ન્હાવું.
હોય મોટો મહેલ કે પછી
હોય ભલે નાનું ઝૂંપડું ;
પેટ તો માંગે છે બે કોળિયાં જ અન્ન
બધાં ભરી રાખે છે ઘરમાં આખું ટીપડું,
કોણ મને માયાના બંધનથી છોડાવે?
મુરખાની જમાતમાં નથી હવે મારે રહેવું .
પ્રસંગોના તણખલાં ભેગા કરી
અમે યાદોનો બાંધ્યો છે માળો;
સ્વર્ગ એમ જો ચાલતાં મળે તો
મારેય ગાળવો છે આજે હેમાળો,
કીર્તિનાં કોટડાં બાંધીને થોડાં
આમ અમર મારે નથી થાવું
મારે દરિયાની પેલે પાર જાવું
'નિરાશ' અલગોતર રતન
No comments:
Post a Comment