Monday, 23 January 2017

ગઝલ

ના  કશે પણ  પ્હોંચવાનું  હોય છે
ને  અકારણ   હાંફવાનું  હોય છે.    

કયાં  ગતાગમ ગીતની કે સૂરની ,
તે  છતાં પણ  વાગવાનું  હોય છે.

મૃગજળને પામવાની  હોડમાં,
આંખ  મીંચી ભાગવાનું હોય છે.

જિંદગીભર ઓળખાતા     નામથી ,
એ  કફનથી  ઢાંકવાનું  હોય છે.

ફૂલથી  લઈ ફળ સુધીની છે  સફર,
આખરે તો  પાકવાનું હોય છે.

તાપણું  ઠર્યા પછીથી  એકલાં,
રાખ  પાસે  તાપવાનું હોય છે.

સાથ  છોડી હાથનો  શું  પામશે?
માત્ર   હૈયું  બાળવાનું હોય છે.
' દાજી'

No comments:

Post a Comment