Sunday, 15 January 2017

ગઝલ

પીધો બંને જણે જાણે અભાવોનું ગરલ એક જ,
લખેલા પત્રમાં છેલ્લે સહી નામે ફરક એક જ !

કહું હું પણ,કહે તું પણ,બધું બસ સાફ શબ્દોમાં,
પરસ્પર ગુફતેગુ માટે આ લાગુ હો શરત એક જ !

ખુશી જલ્દી વીતી જાશે, વ્યથાને વાર લાગે છે,
ગતિમાં ફેર લાગે છે ભલેને હો સમય એક જ !

સ્વયં લગ પહોંચવા પહેલાં બધું એક જ ક્યાં લાગેલું ?
સ્વયં લગ પહોંચતા ભાળ્યું બધું એક જ,ફકત એક જ !

ઘણાં દિવસો થયા ખુદથી થઈ ના વાત એને પણ,
હવે મળવું જરૂરી છે અને માધ્યમ ગઝલ એક જ !
-જિગર ફરાદીવાલા

No comments:

Post a Comment