Sunday, 15 January 2017

ગઝલ

જળનો જળમાં અભિનય થોડો છે.
પણ બરફ ને પરિચય થોડો છે?

એ જો આવે તો પછી જાય નહીં,
દોસ્ત, ખાલીપો સમય થોડો છે?

કેમ હાંફે છે?  તું તો માળી છે.
પાનખર છે આ, પ્રલય થોડો છે?

તમને કઇ રીતે પ્રણય સમજાવું?
શાસ્ત્રનો કોઇ વિષય થોડો છે?

હું કરું ને કહું કે તેં જ કર્યું,
આ વિનય… ઓછો વિનય થોડો છે?

ગૌરાંગ ઠાકર

No comments:

Post a Comment