દરિયો અજાણ્યો નીકળે તો એ વિષય મારો નથી
સધ્ધર નદી પાછી વળે, તો એ વિષય મારો નથી
એ વાત નિર્વિવાદ છે બે હાથથી તાળી પડે
આગળ જતાં ત્રીજો ભળે ,તો એ વિષય મારો નથી !
માર હિસાબે સિંદરી, માણસપણાથી ગ્રસ્ત છે
બળવા છતાં વળ ના બળે, તો એ વિષય મારો નથી !
ઘેરાય વાદળ ‘ને પછી વિખરાય – સીધી વાત છે
વરસાદ ખારો નીકળે ,તો એ વિષય મારો નથી !
તસ્વીર પાસે ક્યાં હતાં નિર્દેશ કરવાના કસબ ?
પણ તોય ઈચ્છા સળવળે, તો એ વિષય મારો નથી
એકાદ ઘટના શક્ય છે ચર્ચાય ખુલ્લેઆમ પણ
જો વાત અફવા નીકળે, તો એ વિષય મારો નથી
અનહદ ગણાતા હોય એ પણ, હોય નિર્ભર હદ ઉપર
પગલાં પરિઘમાં ટળવળે, તો એ વિષય મારો નથી !
ડૂબે સ્વયંના ભારથી , ક્યારેય કાંઠે નહીં મળે
અવશેષ જો તાજા મળે તો એ વિષય મારો નથી
શું જિંદગીનો અર્થ બીજો, ગેરસમજણ થઈ શકે ?
ઉત્તર જોખમને સાંકળે તો એ વિષય મારો નથી
ડૉ.મહેશ રાવલ
No comments:
Post a Comment