હું તો અસ્તિત્તવની રહસ્યમયી ચાલ પર મરું છું
ને હંમેશા રામનાં નામે જ પથ્થર બની તરું છું
દિલથી દુવાઓ જ માંગી છે પથ્થર ફેંકનાર માટે
એ તો સ્વભાવ છે કે હું ફળ બનીને ખરું છું
સત્યનાં પ્રકાશની એક કિરણ જોવા માટે પણ
ક્યારેક જાણી જોઈને દિલમાં અંધારું કરું છું
ખુદને મળવા માટે અવનવા પ્રયોગ કરીને
મુજ એકાંતની મેદનીને બને તેટલી વધારું છું
વ્યક્તિગત વજૂદ ટોળાનું કોઈ બતાવે તો માનું
જાતને તેથી જાતિના જંગલથી અલગ કરું છું
રદીફ કાફિયા મુખડા અંતરા ને વળી મક્તા
હું તો છંદ ને અલંકારોની પાર જઈને લખું છું
ભૂલ ચૂક હોય તો માફ કરી દેજો યારો મારા
ફળી ગયા પછી વૃક્ષની ડાળીની જેમ નમું છું
મંદિરમાં સદીઓથી ગાયબ થઈ ગયેલ ખુદાને
ક્યારેક મસ્જિદમાં જઈને પણ શોધખોળ કરું છું
"પરમ" ને પામવા માટે પામર બનીને પણ
કુબેર કરતા વધારે "પાગલ" ધનવાન બનું છું
ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment