Monday, 23 January 2017

ગઝલ

માંડ કરી'તી ખાલી ને ત્યાં આંખ ભરી ગઈ.
આવીને આ નફ્ફટ તારી યાદ તરી ગઈ.

ઈચ્છાની નાવ લઈ જ્યાં તરવા નીકળ્યા'તા,
કિસ્મત મૃગજળ આપીને ત્યાં રેત કરી ગઈ.

પાગલ થઈને બાથ ભરું છું  રોજ સમયને,
બારી શોધીને એ ક્ષણ તો ક્યાંક સરી ગઈ.

 કરવા માંડો કોઈ જનાઝાની તૈયારી,
એક અધુરી ઇચ્છા પણ લ્યો આજ મરી ગઈ.

રોજ મરીને જીવે છે આ જીવન *સર્જક* ,
જોઈને મૃત્યુની આજે તો જાત ડરી ગઈ.

-: 'ગૌતમ'  'પરમાર' સર્જક

No comments:

Post a Comment