Tuesday, 24 January 2017

અછાંદસ

મજબૂરીની જમીન ઉપર અરમાનો થીજી જાય અને
ડૂસકાઓનું મૌન પીગળીને
બોલવા તલપાપડ થતું હોય..
ત્યારે ....
અચાનક તારા આગમનની અણધારી
અફવા સાંજની માદક હવાની લહેરખીઓ
ઉપર સવાર થઈને મનનાં મરુસ્થલ ઉપરથી
સડસડાટ કરતી જયારે પસાર થાય છે...
ત્યારે....
જે યાદોની રેતીની ડમરીઓ અંતર ફલક ઉપર છવાઈ જાય છે..અને એમાં દેખાતાં તારા ધૂંધળા વદનની ઝલક માત્ર જો મને ભીતર એક હૂંફાળી હૂંફ નો અહેસાસ કરાવે છે....

ત્યારે.....
પીગળેલા ડૂસકાઓ અને અરમાનો ગંગા-જમના અને ગુપ્ત સરસ્વતીની જેમ સ્વતંત્ર બની વહેવા લાગે છે ...
ત્યારે મારા ગાલ ઉપર ન જાણે કેટલા જન્મોના વિયોગનું એક ત્રિવેણી સંગમ નું  પ્રેમતીર્થ રચાય છે...
થર્થરાતા હોઠ ઉપર હલકા સ્મિતનું એક સ્મારક સર્જાય છે....
ત્યારે......
ભીતરના કેન્દ્રમાંથી સંઘરાયેલા શાશ્વત આનંદનો સાક્ષી બની હું મને જ જોયા કરું છું... જોયા કરું છું..... જોયા કરું છું...

જિંદગી......!!!!

ગોર્ધનભાઈ વેગડ (પરમ પાગલ)

No comments:

Post a Comment