Monday, 30 January 2017

ગઝલ

ભીતરે અંકાય એવું લખ હવે,
લાગણી વંચાય એવું લખ હવે;

શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે,
પાંપણો ભીંજાય એવું લખ હવે;

નફરતોની આ નદી પર પ્રેમના,
સેતુઓ સર્જાય એવું લખ હવે;

કોઈ એને સાંભળી ઝૂમી ઊઠે,
કોઈ એને ગાય એવું લખ હવે;

નામ તારું આપમેળે થઇ જશે,
પાંચમાં પૂછાય એવું લખ હવે;

હો નવી પેઢીનો તું શાયર ભલે;
વારસો સચવાય  એવું લખ હવે.

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment