* કેમ કરી સમજાય ! *
જગતની રીત જુદી છે એને કેમ કરી સમજાય ?
સમજુને બધું સવળું લાગે ગભરુડા ગૂંચવાય.
બાજ ઝપાટે ચડી જાય બેપડા, છોગાળા છટકી જાય;
કાગડાના કદી કારસે આવે નહી, ચકલા ચૂંથાઈ જાય.
તરસ્યા હોય એને તડકામાં ઝાંઝવા નદિયું જણાય,
સિંહ શિયાળીયા છેતરાય નહી ને હરણાં છેતરાઈ જાય.
રાંકા કોઈનું બગાડે નહી ને મુત્સદી મારીને ખાય,
હરાડા કોઈના હાથ આવે નહી ને પાળેલા પરોણા ખાય.
શ્વાનના ઘેર પણ સરજનહાર તારે આવડો ક્યાં અન્યાય ?
પાપી નરની પડખે ચડે નહી ને રાંકને કરડી ખાય.
'દાદ' ઠાલાને તરતા દીઠાને ભરેલા ડૂબી જાય,
નિતીના ખોટા ઘા'માં નાવેને સોજા સલવાઈ જાય.
~ કવિ દાદ (દાદુદાન ગઢવી)
No comments:
Post a Comment