Thursday, 19 January 2017

ગઝલ

આજના છંદ પર રચના
વહેણ માટે નદીને પથ્થર નડે છે? બોલો.
નદી કદી પણ પહાડ ઉપર ચડે છે? બોલો.

ગગન, પવન, પાંખ કે પછી હામ જોઈએ છે
ઉડાન માટે જરૂર શાની પડે છે? બોલો.

તરાસવાથી હીરાની કિંમત વધે, ખબર છે,
મને મને ક્યાં તરાસતાં આવડે છે? બોલો.

કરોળિયો જો, પડીને ઊભો થાય છે ફરીથી,
લગાવ એને કયા પરિબળ વડે છે? બોલો.

લુંટાઈ જાશે બધુંય, મધમાખીને ખબર છે.
બીજાની દાનત વિચારી એ ક્યાં રડે છે? બોલો.

બીજાને માટે શરીર તડકામાં બાળવાનું,
ઉપરથી ફળ આપવાનુંય પરવડે છે? બોલો.

હવાને 'મંથન' ગતિ મળે તો પવન બને છે.
ગતિ હવાને કઈ રીતે સાંપડે છે? બોલો.

સમજ, વિચારો, ઉછેર જુદા, રિવાજ જુદા,
પ્રભુ બધાને જુદા જુદા ક્યાં ઘડે છે? બોલો.
== મંથન ડીસાકર (સુરત) ૧૮/૦૧/૨૦૧૭

No comments:

Post a Comment