મે કર્યો'તો બસ ભરોસો તે છતાં,
લાગણીને નામ હું ઠગાઈ ગયો.
આમ તો હું એકદમ શરમાળ છું,
એક તારું નામ;પંકાઈ ગયો.
છે બધું જો હાથ તારા તો પછી,
કેમ તું બસ આમ ફેંકાઈ ગયો.
દુ:ખ વરસે આભમાંથી મેહ સમ,
આપમેળે હું જ ભીંજાઈ ગયો.
એકતારો વાગવાનો મર્મ છે,
મોરપીંછે એ જ વિંધાઈ ગયો.
હું સુગંધી,હું જ છું રસધાર પણ,
એમ તુજમાં હું સમેટાઈ ગયો.
કાટખૂણે આપણે ઊભા હતા,
ત્યાં જ દીવો એક બુઝાઈ ગયો.
આમ તો નાજુક હતો,અંગત હતો,
કોણ જાણે કેમ રહેંસાઈ ગયો.
એક પડઘો મૌનમાં પડતો હતો,
આપમેળે આજ ઝીલાઈ ગયો.
મે કર્યુ મંથન પછી એ વાતનું,
કોણ,ક્યાં ને કેમ વહેંચાઈ ગયો.
ના કદી મળશે ફરી આ રાત તો,
હું બની સપનું જ અંજાઈ ગયો.
મેં જ આપ્યો સાથ તુજને તે છતાં,
પારકાની જેમ વિસરાઈ ગયો.
હાથ એનો હાથમાં લીધો અને
ક્યાંક મુજમાં હું જ જોડાઈ ગયો.
ડૉ.અયના ત્રિવેદી
અયુ
No comments:
Post a Comment