Friday, 27 January 2017

ગીત

ગરુડની વિશાળ પાંખો જો મને મળી જાય
તો આકાશ ઉડીને સૂરજનો પડછાયો શોધું
ને વિદુરની દિવ્યદષ્ટિ વાળી મળે જો આંખો
તો રેલાઈને ફેલાતા પ્રકાશની છાયાઓ શોધું 

ને રામ બની અવતરું ફરી જો આ કળિમાં
તો ધનુષ ને બદલે જુઠી મર્યાદાઓ તોડું
ત્યારે સીતાને થયેલા હળાહળ અન્યાયનું
પ્રથમતો પાકું પ્રાયશ્ચિત શોધીને જ જંપું

ધર્મરાજનો તાજ કૃષ્ણ કહે તોય ન સ્વીકારું
ને કદાચ સ્વીકારું તો જુગટું તો ન જ રમું
ને દાવમાં મુકાતી આજની આ દ્રૌપદીઓને
દાવમાં મુકાવાનું સદંતર બંધ જ કરાવું

પયગંબર બની તલવારનો તો ત્યાગ જ કરું
ને અહિંસા મહાન મહાવીરની અખત્યાર કરું
બુદ્ધની કરુણાનું વાદળ બની એવો વરસી પડું
કે શાંતિસંદેશ સમજાવીને ત્રાસવાદ અટકાવું

ભીષ્મ થઇ બાણશય્યા મળે એવી ભીષણ
ને ભારે પ્રતિજ્ઞા ભૂલ ચૂકથીયે ન જ કરું
હવે તો "પરમ" પ્રેમનો પંથ પસંદ કરીને
"પાગલ" થઈને પુષ્પોની પથારી શોધું

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

No comments:

Post a Comment