Sunday, 19 February 2017

શેઅર સંચય

*મારી ગઝલના કેટલાક મત્લા*

પવનો વાય વસંતી બધે હવે .
વરણાગી બનવાના અમે હવે.

ગોતી લ્યો મારામાં ઝરણાનું વહેણ
આવ્યું છે ધરતીનું ઓરમાયું કહેણ

નેત્ર ક્યારી ફૂલ ખીલ્યા સાચવી લ્યો
એમના તો મૂલ મોંઘા સાચવી લ્યો

ટેરવાનું મૌન બોલે, નખ જરા અળગા હશે.
સ્પર્શ હળવો હોય તો પણ કેમ આ તણખા હશે?

વધારે પ્રેમ હો તો ગૂંગળાવી મારે
ભલે જલ એક જીવન પણ ડૂબાડી મારે

બધા વૈભવો હતા શ્યામને, મજામાં હતો!
એ કારણ હતું કે એનો સખા સુદામા હતો.

લાગણીનો પ્રશ્ન હો ત્યાં પૂછવાનું હોય નહિ
ભરાઈ ગયા પછી તો સ્થાન હવાનું હોય નહિ

છોડવા પણ ઊગે શિસ્તમાં બાગમાં
માળી કાતર લઈને ઉભો લાગમાં

છે જિંદગીની એક વણબોલી શરત
ખેલો અને જીતો દવા સાથે દરદ

કોને ખબર ક્યાં સાંજ મરી ગઈ!
સાંજ ઢળીને આંખ મરી ગઈ!

તું ડાબી બાજુ બેસે તો હૃદયનો મર્મ સમજાવું
નયનથી જે સરે છે શબ્દનો હું અર્થ સમજાવું

જેમ મન થાય છે એમ ક્યાં થાય છે?
સૌ બલાઓ મરજી હોય ત્યાં જાય છે.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment