Sunday, 19 February 2017

ગઝલ

કાયમી આઘાતનું કોઈ પગેરું શોધીએ,
રોજના સંતાપનું કોઈ પગેરું શોધીએ;

એક મોંઘેરી જણસને ખોઈને બેઠાં છીએ,
આપણામાં આપણું કોઈ પગેરું શોધીએ;

પાંચ તત્વોથી બનેલી હોય છે, કહેવાય છે,
સાવ નોખી જાતનું કોઈ પગેરું શોધીએ;

વેશ બદલીને દબાતે પગલે જઈને જોઈએ!
મૂળ ક્યાં છે યાદનું? કોઈ પગેરું શોધીએ;

કઈ રીતે એને મનાવીશું? પછી જોયું જશે,
એક ગમતા નામનું કોઈ પગેરું શોધીએ;

કૈંક ઈચ્છાઓના અશ્વો રોજ હણહણતા ઊભા!
એમના અસવારનું કોઈ પગેરું શોધીએ;

ક્યાંથી નીકળીને પછી એ ક્યાં સુધી જાતા હશે?
ચાલ, છેલ્લા શ્વાસનું કોઈ પગેરું શોધીએ;

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment