Saturday, 18 February 2017

ગઝલ

વાદળો ગરજે ઉભા રહેવું પડે.
આપણી તરસે ઉભા રહેવું પડે.

પાણીમાં બેસી જવું પોષાય નહિ,
કોઈ પણ શરતે ઉભા રહેવું પડે.

એમના દર્શન જો કરવા હોય તો,
એમના રસ્તે ઉભા રહેવું પડે.

હોય છો ને વાત ખોટી કે ખરી,
દોસ્તની પડખે ઉભા રહેવું પડે.

કોઈને જો આપવો હો છાંયડો,
આપણે તડકે ઉભા રહેવું પડે.

મીણબત્તી ને જીવનમાં સામ્ય શું?
જાત છો સળગે ઉભા રહેવું પડે.

દુર એકલતાને કરવા આપણે,
આપણી ફરતે ઉભા રહેવું પડે.

ભાવિન ગોપાણી

No comments:

Post a Comment