પીડા ભુલી શકાયને,ત્યારે જીવાય છે
મૃતપ્રાય થઇ જવાયને,ત્યારે જીવાય છે
બેબાકળી ક્ષણો છે પર્યાય જામનો
ચિક્કાર એ પીવાયને,ત્યારે જીવાય છે
જીવનમાં લક્ષ્યવેધ સતત સાધીયે પછી
પલ્લું ય સ્થિર થાયને,ત્યારે જીવાય છે
ભીતર ન ઝેર ઉતરે,ન બ્હાર નીકળે
નીલગ્રીવ થઇ શકાયને,ત્યારે જીવાય છે
સુખનો સૂરજ તપે ને પછી આંખમાં જરા
વરસાદ આવી જાયને,ત્યારે જીવાય છે
આઠે પ્રહર ખુમારી ચડે દર્દની,- પછી
મીઠું કવન ગવાયને,ત્યારે જીવાય છે
હર્ષા દવે
No comments:
Post a Comment