તારલા જડિત અજવાળી રાતે તમે આવજો ,
મસ્તિભર્યા ગુલાબી સ્મિતને સાથે લાવજો .
મળવાને થનગની રહેલા આ અધિર હૈયાને ,
સુકા પાન સમુ છે , જે ઝંખે છે વસંતને ,
મહેંદીથી રસાયેલ હાથો વડે પ્રેમથી પંપાળજો ,
તારલા જડિત અજવાળી રાતે તમે આવજો .
સુરીલા કોકિલ કંઠી સુમધુર સૂરોને વહાવી ,
વાતાવરણમાં મીઠી સુગંધિત ખુશ્બુને ફેલાવી ,
જમાવટ કરતી રંગભરી મહેફીલ સજાવજો ,
તારલા જડિત અજવાળી રાતે તમે આવજો
મસ્તીમાં મદહોશ બનશે વાતાવરણ સઘળું ,
નાચી ઊઠશે ખુશ થઇ પછી મનડું મારું ,
તમારા હેતભર્યા હૈયાને ધોધમાર વરસાવજો ,
તારલા જડિત અજવાળી રાતે તમે આવજો .
પલળી જાય મન ને પલળી જાય તન એવી ,
માણવી છે 'જશ' મસ્તીભરી ક્ષણો સોનેરી ,
ભીની ભીની લાગણીઓના ધોધને વહાવજો ,
તારલા જડિત અજવાળી રાતે તમે આવજો .
તારલા જડિત અજવાળી રાતે તમે આવજો ,
મસ્તીભર્યા ગુલાબી સ્મિતને સાથે લાવજો .
જશુ પટેલ
૨૨-૦૨-૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment