સાંજ પડતા બસ, સ્મરણ તારું થયું
ને પછી, અંધારું ઝળહળતું થયું
આ સ્મરણ છે કે કોઈ સંજીવની ?!
ઝંખનાનું શબ ફરી બેઠું થયું.
આપણાંથી છેટાં શખ્સોને લીધે
આપણી વચ્ચે જરી છેટું થયું
હર વખત નડતી શરમ જેની તને
બોલ, અંતે કોણ એ તારું થયું ?
કંઈ પ્રસંગોપાત હો તો ઠીક છે
દર્દ આ તે કેવું રોજિંદું થયું
નામ લેતાં પણ ડરું છું સૂર્યનું
એવું માથાભારે અંધારું થયું
આંખથી કાજળ ગયું બસ, તારું તો…
મારું તો આખું જીવન કાળું થયું
-પંકજ વખારિયા
No comments:
Post a Comment