Sunday, 26 February 2017

ગીત

. . . . ."...તું મૈત્રી છે.". . . . . .
__________________________
તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.
ઊઘડતા આકાશનો ઉજાસ છે:
.........................તું મૈત્રી છે.
તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે
તું પ્રવાસ છે, સહવાસ છે:
.........................તું મૈત્રી છે.
તું એકની એક વાત છે, દિવસ ને રાત છે
કાયમી સંગાથ છે:
.........................તું મૈત્રી છે.
હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું :
.........................તું મૈત્રી છે.
તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે
તું અહીં અને સર્વત્ર છે:
........................તું મૈત્રી છે.
તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે
તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
.........................તું મૈત્રી છે.
તું સ્થળમાં છે, તું પળમાં છે;
તું સકળમાં છે અને તું અકળ છે: ....................તું મૈત્રી છે.
                 .....
          -સુરેશ દલાલ-

No comments:

Post a Comment