Sunday, 26 March 2017

ગીત

રમેશ પારેખજીની પંક્તિ પરથી ગીત..
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં, તારું પહેલા વરસાદ સમું આવવું.....

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં
   તારું પહેલા વરસાદ સમું આવવું,
વસંતના રંગભીનાં  કેસરિયા રંગે
   મારું રંગરસિયા સંગે ભીંજાવું..

ફુલ એક કેસુડાનું ખોસું અંબોડે તો, હિલ્લોળે ચડતું જોબનીયું.
વાસંતી વાયરાએ ફરફરતી ઓઢણી ને મનડું થાતું કેસરીયું,

કમખાની ઘૂઘરીના મીઠાં રણકારે
   તારું શ્વાસે શ્વાસોમાં રણઝણવું
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં
   તારું પહેલા વરસાદ સમું આવવું

નજરુંનાં બાણ એવાં વીંધે અંગ અંગ મારાં, લોચનનાં લટકે લપસતી,
અણીયારી આંખડી ને રાતીચોળ પાઘડીનાં છેડે બંધાવા તરસતી,

પાંપણમાં સંતાયેલ કોયલના ટહુકે
  તારું ભીનું ભીનું સપનું સજાવવું.
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં
    તારું પહેલા વરસાદ સમું આવવું

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
સુરત.

No comments:

Post a Comment