થાકી પાકી સાંજ ઢળેને દીવો અંધારું પ્રગટાવે ત્યારે કોને જઈને કહેશો?
હીજરાતી લાગણીઓ ભીતર ભીનો શોર મચાવે ત્યારે કોને જઈને કહેશો?
ભીડ પડે જો યાદોની તો હૈયાની શેરીમાં તમને સખીપણુ સાંભરશે
આંખેથી સરકેલી નદીઓ વળી વળીને નામ વિનાના કાગળિયે સળવળશે
શબ્દોના કોલાહલ વચ્ચે સાદ પિયુનો પ્રીત બની ભરમાવે ત્યારે કોને જઈને કહેશો
હીજરાતી લાગણીઓ ભીતર.......
મોરપીંછના સરનામે લે ખરી પડે તોફાની પેલું ધોધમાર ચોમાસું
મેઘધનુષી રંગોમા તુજ મુખ મનોહર જોવા લે હું ચાતક થઇને તરસુ
ધબકારે ધબકારે સાજન સપનું મીઠું વાવે ત્યારે કોને જઈને કહેશો?
હીજરાતી લાગણીઓ ભીતર. ..
તરફડતા પંખીને કોઈ પૂછે, તારા નીડનું વળગણ ક્યા છે?
કયાં છે તારી અબોલ પીડા,નભની ક્રીડા,લીલું સગપણ કયાં છે?
સાવ અવાવર આંખોમાંથી અમથે અમથું આંસુ દોડી આવે ત્યારે કોને જઈને કહેશો?
હીજરાતી લાગણીઓ ભીતર....
.....વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment