Tuesday, 7 March 2017

સોનેટ

*છંદ : શાર્દૂલવિક્રિડિત સોનેટ*

પંખીઓ પવને વને ઉપવને, ગાતાં ઉડે ગીતવાં,
ઠંડા છે જળ ને મહી જ બતકાં, સંગે તરે માછલાં,
વીંટે છે કિરણો લતા તરુવરે, ભાનૂં તણાં તેજથી,
ખીલે રે મધુરું પ્રભાત નિત રે, એ રેશમી તાંતણે.
જાતા રે પશુઓ જુઓ ખડ ચરે, ગ્વાલા જતાં સંગ રે,
લ્હેરે રે અનિલે નિલા ખડ પણે, ખૂશી ધરી ચારતાં,
ઓઢીને ધરતી નિલા વલકલે, શોભી રહી તાજગી,
વેરે છે  નિજ પ્રેમ એમ લગતી, માતા બની ધાવતી.
વૈરાગી જપતાં જતાં અલખને, માળા સહી મંદિરે,
અંગે રે ભગવાં જટા શિર પરે, હાથે ધરી ઝાંઝને,
ત્યાગી મોહકતા વ્યથા જગતની, બાવા તણાં શ્રી હરી,
વાગે રે કરતાલ તાલ લયમાં, દામોદરા માધવા.
યાચું છું મુજ મોક્ષને તવનમાં, ગોપાલજી શ્યામળા,
ટાળીને ભવતી ભવે જગતનાં, પામું તુને શ્રીધરા.


*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment