Tuesday, 21 March 2017

બે કાવ્ય

વિશ્વ કવિતા દિન ઉપર:

કવિ  જન્મે કવિતાની  કૂખે
ઉછરે શબ્દ સંહિતાની હૂંફે
     **************
કવિ અને કવિતાનો સંબંધ છે ન્યારો
કલમની કેડીએ એકમેકનો સથવારો
  *********************
સંવેદનાની સરીતા કવિના કવનમાં વહેતી
કવિતા એટલે કાગળ પર  શબ્દોની  ખેતી
      *********************
એક કવિ કંઈ પણ કરી શકે
આકાશને અશ્રુથી ભરી શકે
દરિયાને પળમાં સુકવી શકે
તો પળમાં રણને પણ તરી શકે
       "રોશન" કિરણ જોગીદાસ

આંગણાનુ્  ઝાડ આજ  કાઢે  બળાપો
મારી ચકલી ખોવાઈ કોઈ શોધી આપો
       કેવાં  દિવસો  હતાં  શું  રે  કહું!!
       ચકલી મારામાં ને હું ચકલીમાં રહું
       ઝાડ થઈ ચકલી હિલ્લોળા લેતી
       ને ચકલી થઈ કલબલ કર્યા કરું હું
દિવસો  એ મજાના  કોઈ  ખોળી આપો
મારી ચકલી ખોવાઈ કોઈ શોધી આપો
        ઘડીમાં આભે તો ઘડીમાં ઠેકાણે
        આભ અને ઝાડનો સેતુ જાણે
        તડકા  છાંયાનું  રમકડું  લઈને
         રમતી'તી ડાળીનું બાળકડું જાણે
કોઈ વાયરામાં એનો કલરવ ઘોળી આપો
મારી ચકલી ખોવાઈ કોઈ શોધી આપો
          કરતી'તી માળો એ મારે ખોળે
          પણ વસતુ'તું હુ જઈ એની સોડે
          હવે એના વિનાં કોણ ખુંદે મને
           એના વિનાં કોણ કલરવ ઢોળે
મને પાછી એ ચકલીઓની ટોળી આપો
મારી ચકલી ખોવાઈ કોઈ શોધી આપો
          -"રોશન" કિરણ જોગીદાસ

No comments:

Post a Comment