દોસ્ત! દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?
પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?
ચિનુ મોદી ‘ઈર્શાદ”
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
– ચિનુ મોદી ‘ઈર્શાદ’
સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો.
હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.
થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.
ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
– ચિનુ મોદી ‘ઈર્શાદ
સાવ ખાલી ખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?
-ચિનુ મોદી
તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.
તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.
સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.
વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.
કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.
-ચિનુ મોદી
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.
એક જણ સાચું રડે તો બ્હૌ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને ચાલવાનું જોઈએ.
સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ક્ષણે પંખી મજાનું જોઈએ.
વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.
આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ.
તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.
…..ચિનુ મોદી
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
લાખ મથીને રાખતો દિવસે જેને શાંત,
રાતે છાપો મારતું ડંખીલું એકાંત;
એક સમે ક્યારેક ને આજે બારે માસ,
આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ;
રાત મળી સરખી છતાં હું કેવો લાચાર,
તું પહેરે છે ચાંદની હું ઓઢું અંધાર;
આંસુને વરસાવશું નાહક ના મૂંઝાવ,
એક નદી નિપજાવશું જેને બન્ને કાંઠે નાવ;
સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ?
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.
-ચિનુ મોદી
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.
નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.
પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.
હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?
એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’.
– ચિનુ મોદી
મેં તને ક્યારે કહ્યું ઉપચાર કર ?
સ્વિચ કર તું ઑફ ને અંધાર કર.
એ ખરા ટાણે ન આવ્યા કામમાં
શ્વાસને કહેવું નથી, વ્હેવાર કર.
એક બે રસ્તા હજી ખુલ્લા હતા
પાણી માફક પગ વગર સંચાર કર.
ખૂબ ભેદી રાતનું આકાશ છે
સ્વપ્ન આવે તો તરત ઈન્કાર કર.
અલવિદા કહેવાનો અવસર છે ‘ચિનુ’-
ચાલ ઊભો થા અને શણગાર કર.
No comments:
Post a Comment