શક્ય છે કે કંઈ અનુચિત થાય, ને...
વાયરા પણ ઓતરાદા વાય, ને...
એમ તો મુસ્તાક છું ખુદ પર છતાં
હાથતાળી દૈ એ ચાલ્યાં જાય ! ને...
અવતરી ત્યાં તો કપાળે સળ પડ્યા,
ઝંખનાનો શોધ તું પર્યાય, ને...
મેં કબૂલી જ્યાં લીધું સઘળું પછી
ધમપછાડા ક્યાંય ના વર્તાય ! ને...
ભાત ઊપસી છે હવે એકાંતની
દામ મહેફિલનાં તરત મંડાય, ને...
કોણ રોકે, કોણ ટોકે 'તોર'ને
જાત આખી બાદમાં ખરડાય, ને...
હોય ભારોભાર તો જોખી શકો
રિક્તતા છે, એમ કૈં તોલાય ! ને...
આ કલમને ધાકમાં પણ રાખવી
ક્યાંક કોઈ સ્કેમમાં સલવાય, ને...
~~ રાજુલ ભાનુશાલી
No comments:
Post a Comment