Wednesday, 19 April 2017

ગઝલ

આતુરજીની અદ્ભૂત ગઝલ

પેનમાં  પૂરાઇને  કાગળમાં  અવતરશે પછી,
અશ્રુઓ  સારો  નહીં તો  એ રીતે સરશે પછી.

એક  બસ  વિશ્વાસને  સાથે ને સાથે રાખવો,
એકલી ઇચ્છા નીકળશે બ્હાર તો ડરશે પછી.

કોઇ  મૂંગી  ભીંતને  વય  મૌનની  પૂછો નહીં,
આકરા  શબ્દો સમા ત્યાં પોપડા ખરશે પછી.

સાથ  જો સૂની અગાશીને  હું આપું રાતભર,
ચાંદની સાથે જ  શીતળ યાદ ઝરમરશે પછી.

હોઠ પર આ સ્મિત સાથે આમ ના છૂટાં પડો,
આંખ  સામે  દૃશ્ય એનું એ જ તરવરશે પછી.

ચોપડીમાં  સાચવેલું  ફૂલ  જો  નીકળ્યું  કદી,
શ્વાસમાં  વરસો પુરાણી  મ્હેક  સંચરશે પછી.

જે કર્યું 'આતુર' અહીં બસ એમ માનીને કર્યું,
'આ નહીં જો હું કરું તો કોણ આ કરશે પછી!'

                                    'આતુર'

No comments:

Post a Comment