🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
આંગણીએ ટહૂકાઓ
ચિતરાતી રંગોળી આંખોમાં રંગોને પહેતા જ ટોડલીએ ટહૂકારા થાય,
પલાણી ધોડલાને ઉીભેલા શ્વાસ પછી અવસરનાં ગીતવા મંડપમાં ગાય.
આંગણીએ કલરવતા માળામાં મ્હેકંતા શરણાઈના સૂર ભીનાં ટેરવાને પીવે,
માથું હલાવીને માપ લેવા દરજિડો પગને લંબાવીને કમખાનેે બેવડવા સીવે.
પલપલમાં શમણાનાં ગૂંથાતા રાજ ને ઘેઘૂરા વડલાની વડવાઈ હરખાય.
ચિતરાતી રંગોળી આંખોમાં......
ઈચ્છાનાં આકાશે ઊડતાં પતંગિયાની પાંખોમાં કિરણોની રેખાઓ ફરતી,
પીળી ચટાક પછી લીલી ચટાક ઘરી ઓઢણિયું અંગઅંગ ઉજાગરા કરતી.
અણધારી આવજા કરંતી સાનભાન ભીતરનાં તાગ લઈ લ્હેરું છલકાય
ચિતરાતી રંગોળી આંખોમાં.....
કેસરિયા સાફાનો રંગ ઘેલી ડાંડીમાં થડકારા લઈ લઈ ઘેરદાર ઘૂમાવે ચોક,
એક બાજુ ખૂણામાં લપાતા બોલ, ફેર ફૂદરડીએ આંચકામાં તણાતા લોક.
સિંચાતા શ્રીફળમાં કૂટાતી આંખલડી વેલ સોતી છાતીમાં ઊંડી ધરબાય
ચિતરાતી રંગોળી આંખોમાં.....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment